
શ્રી ભાનુભાઈ પી. ઠક્કર; મલાડ (મુંબઈ)થી લખે છે: તેમને અને તેમના કુટુંબીજનોને પૂ. જલારામ બાપા પર અનન્ય શ્રદ્ધા છે. મુશ્કેલીના સમયમાં પૂ. બાપાને કરેલી પ્રાર્થના હંમેશા ફળે છે. થોડા સમય પહેલાં તેમને સખ્ત અકસ્માત થતા તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમને મદદ કરવાવાળું કોઈ ન હતું. આવા સમયે પૂ. બાપા એક સદગૃહસ્થના રૂપમાં તેમની વ્હારે આવ્યા અને તેઓ તેમની ગાડીમાં દવાખાને લઈ ગયા તથા તેમના કુટુંબીજનોને જાણ કરી. તેમના કુટુંબીજનોએ કરેલી પૂ. બાપાની પ્રાર્થનાથી તેઓ જલ્દી સારા થઈ ગયા. પૂ. બાપાને તેમના કુટુંબીજનોના કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ ભાનુબેન એમ. ભટ્ટ; જુનાગઢથી લખે છે: તેમની પૌત્રીના લગ્ન નિર્વિઘ્ને ધામધુમથી સંપન્ન થઈ જાય અને તેમના સગાવહાલાં સૌ રાજીખુશીથી આવી, લગ્ન માણી સૌ સૌના સ્થાને પહોંચી જાય તે માટે તેમણે પૂ. જલારામ બાપાનું શરણ લઈ માનતા માનેલ. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમની એ મનોકામના પૂર્ણ થયેલ છે.
શ્રી રેખાબેન ટાંક; રાજકોટથી લખે છે : તેમના પિયરમાં છેલ્લાં 7 વર્ષથી એક કુતરો 'ટફી' પાળેલો હતો. તે અચાનક બિમાર પડતા વેટરનરી ડોકટરને બતાવેલ. ડોકટરે 'ટફી'ની બન્ને કીડની ફેઈલ થયેલ જણાવી 'ટફી' 7-8 દિવસ માંડ જીવશે તેમ જણાવતા સૌ દુ:ખી થઈ ગયેલ. 'ટફી'ને સૌ ઘરના સદસ્યની જેમ વહાલ કરતા હોઈ પૂ. બાપાનું શરણ લઈ તેને કશી આંચ ન આવે અને સારું થઈ જાય તે માટે પ્રાર્થના કરી માનતા રાખેલ. પૂ.બાપાની અમીનજર થકી 'ટફી'ને સારું થઈ ગયું અને પૂર્વવત્ ખોરાક લેતો થઈ ગયો.
શ્રીમતિ રીમાબેન આર. પટેલ; દેગામ (જિ. નવસારી)થી લખે છે: તેમને પ્રેગનન્સી દરમ્યાન સાતમા માસે બાળક નીચે આવી જતા એક મહિનો બેડ રેસ્ટ લેવાની સલાહ હતી. દરમ્યાન તેમને બાળકના સ્વાસ્થ્ય અંગે નકારાત્મક વિચારો આવતા. તેથી 'જલારામ જ્યોત'માંના પૂ. બાપાના પરચા વાંચી તેમાંથી પ્રેરણા લઈ તેમણે પણ પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમને સમયાંતરે સ્વસ્થ પુત્રીરત્ન પ્રાપ્ત થયું.
શ્રી કોકિલાબેન સી. ઓઝા; માંડા (જિ. વલસાડ)થી લખે છે: તેમના ભાઈને મોઢાનું કેન્સર હોવાથી તેઓ એક માસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેની આ ગંભીર બીમારી દુર થાય અને તે વ્યવસ્થિત ખાતા - પીતા - બોલતા થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાનું શરણું લઈ પરચો માન્યો. પૂ.બાપાની અપાર દયા થકી તેમના ભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે આવી ગયા.
શ્રી દિપકસિંહ આર. પરમાર; અભરા (જિ. વડોદરા)થી લખે છે: તેમનો ટ્યૂબવેલ થઈ જાય, તેની લોન મંજુર થાય અને આ માટે બોર્ડમાંથી લાઈટનું કનેક્શન મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને અંત:કરણથી પ્રાર્થના કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની મ્હેરથી તેમના સર્વે કાર્યો ફતેહ થયા.
શ્રી સુધાબેન દેસાઈ; મગદલ્લા (જિ. સુરત)થી લખે છે: પદયાત્રા દરમ્યાન ભારે વરસાદને કારણે તેમના બંને પગમાં છાલાં પડી તેમાંથી રસી નીકળતા હતા. સોજા પણ ખૂબ હતા. બીજે દિવસે સવારે ડોક્ટર પાસે જતા પહેલા રાત્રે તેમણે પૂ. બાપાને પ્રાર્થના કરી અને પગમાં સારું થઈ જાય તે માટે પરચો માન્યો. ને જાણે ચમત્કાર થયો. સવારે તેમના પગ તદ્ન કોરા થઈ ગયા. રસી સુકાઈ ગયા. ધીરે ધીરે, કોઈપણ તબીબી સારવાર વગર તેમને બિલકુલ સારું થઈ ગયું.
શ્રી કમલેશભાઈ સી. પંડ્યા; ઉમલ્લા (જિ. ભરૂચ)થી લખે છે: તેમનું પોતાની માલિકીનું મકાન થાય તેમજ તેમની દીકરીને હોસ્ટેલમાં એડમીશન મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ. બાપાની અસીમ કૃપાથી તેમની બંને ઈચ્છાઓ પૂર્ણ થઈ.
શ્રી બી. સી. લોઢિયા; જામખંભાળિયા (જિ. જામનગર)થી લખે છે: સ્કૂટર સ્લીપ થતા તેમને પગમાં ઈજા થઈ હતી. વળી, તેમાં પાણી ભરાતા એક વખત ડૉક્ટર પાસે જઈને કઢાવ્યું. પણ ફરી બીજી વખત આજ તકલીફ થતા તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને પગમાં સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમને પગમાં સારું થઈ ગયું. આ ઉપરાંત પૂ. બાપાની કૃપાથી તેમના દીકરીને સારા વિસ્તારમાં દુકાન મળી ગઈ તેમજ તેમના યાત્રાની ટીકીટ પણ સરળતાથી મળી ગઈ.
શ્રી નીલાબેન આર. દત્તાણી; મુંબઈથી લખે છે: તેમની પૌત્રીને મુંબઈની બેન્કમાં જ નોકરી રહે, દીકરો તથા દીકરીના જમાઈની માંદગી દૂર થાય તથા તેમની દેહુ રોડની જમીન સલામત રહે તે માટે તેમણે પૂ. જલારામ બાપાના શરણે જઈ પરચો છપાવવાની માનતા માની હતી. પૂ. બાપાની અનન્ય શ્રદ્ધાને કારણે તેમને કાર્ય સફળતા મળી.
શ્રી બાબુભાઈ આર. પટેલ; અબ્રામા (જિ. નવસારી)થી લખે છે: તેમના જમાઈ દુબઈમાં ત્રણ વર્ષના વિઝા પર નોકરી કરતા હતા. તેઓના વિઝા પુરા થવામાં હોય કંપનીએ ભારત પરત ફરવાનું કહ્યું હતું. આ બાબતે ઘરના સૌ ચિંતામાં હતા. તેઓને કંપની તરફથી ફરી દુબઈના વિઝા મળી જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની પરમ કૃપા થકી તેમના જમાઈને કંપની તરફથી ફરી વિઝા મળી ગયા.
શ્રી કવિતાબેન કે. સોનપાલ; નાસિક (મહારાષ્ટ્ર)થી લખે છે: તેમના ભાઈની તબિયત સારી રહેતી ન હતી. તે આર્થિક મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા હતા. મકાન વેચાઈ ગયું હતું અને દુકાન વેચવાની હતી પરંતુ વેચાતી ન હતી. તેને નાણાંની સખત જરૂરિયાત હતી. તેની દુકાન વેચાઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી દુકાન વેચાઈ ગઈ અને તેઓની તબિયતમાં પણ સુધારો થયો.
શ્રીમતિ અનસૂયાબેન ઝાલેરા; મોરબી (જિ. રાજકોટ)થી લખે છે: તેમના પતિ સુધારેલુ અનાનસ લાવ્યા હતા. તેના પેકિંગમાં વપરાયેલી સ્ટેપ્લરની પીન અનાનસ ખાતી વખતે ગળામાં ફસાઈ જતા ખૂબ જ તકલીફ પડતી હતી. તેમની ભાણેજને કીડનીમાં પથરી હતી તેમજ તેમને જમણા કાનમાંથી અવાજ આવતો હતો અને બરાબર સંભળાતું ન હતું. ત્રણેય તકલીફો દુર થાય તે માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ. બાપાની કૃપાથી બધી જ તકલીફો દુર થઈ ગઈ.
શ્રી અનંતરાય કામદાર; સુરેન્દ્રનગરથી લખે છે: તેમના વેવાઈની પુત્રવધૂને ડીલેવરી સમયે કમળો થઈ જતા સ્થાનિક ડૉક્ટરની સલાહ મુજબ તેને અમદાવાદ લઈ ગયા. જ્યાં ડીલેવરી તો શાંતિથી થઈ ગઈ પણ પુત્રવધૂની તબિયત ખૂબ જ ગંભીર બની ગઈ. ફરી ત્યાંથી બીજી મોટી હોસ્પિટલમાં આઠ દિવસની સારવાર બાદ પણ કમળાની બીમારીમાં કશો જ ફેર દેખાતો ન હતો. તે કોમાની સ્થિતીમાં આવી ગઈ હતી. આવા સમયે તેમણે પૂ. બાપાને પોકાર્યા અને વેવાઈની પુત્રવધૂને સારું થઈ જાય તે માટે પરચો માન્યો... ત્યાર બાદ આઠ દિવસમાં જ તેને ઘણું જ સારું થઈ ગયું. હાલ માતા-પુત્રી બંને ખુબ જ તંદુરસ્ત છે.
શ્રી ખીમજીભાઈ પી. પટેલ; હરસોલ (જિ. સાબરકાંઠા)થી લખે છે: પૂ. બાપાના પરચા છપાવવાનો સંકલ્પ કરતા કૃપાની અનુભૂતિ અનેકવાર થયેલ છે. તેમના મકાનના દસ્તાવેજનું કાર્ય વિના વિલંબે પૂર્ણ થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમનું કાર્ય વિલંબ વિના પૂર્ણ થયું.
શ્રી હીનાબેન ડી. પટેલ; બોરીવલી (મુંબઈ)થી લખે છે: તેમને બ્રેસ્ટ કેન્સર થવાથી ડૉક્ટરે ઓપરેશનથી બ્રેસ્ટ કાઢી નાંખવાની સલાહ આપી હતી. ઓપરેશન સફળ થાય અને રોગ પ્રસરે નહિ તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો હતો. પૂ. બાપાની કૃપાદ્રષ્ટિથી ઓપરેશન સફળ થયું અને રોગ પણ પ્રસર્યો નહિ.
શ્રી ધનગૌરીબેન એન. પરમાર; ભેસ્તાન (જિ. સુરત)થી લખે છે: તેઓ તેમના પતિ અને દીકરી સાથે સ્કૂટર પર જતા હતા. દરમ્યાન અકસ્માત થવાથી તેમના પતિ પર આરોપ આવ્યો અને બે વર્ષ સુધી કેસ ચાવ્યો. એક વખત કેસની સુનાવણીના આગલા દિવસે તેમણે પૂ. બાપાને આર્તહ્રદયે વિનવ્યા અને કેસમાં નિકાલ આવે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બીજે દિવસે કેસનો નિકાલ થઈ ગયો. તેમની દીકરીનું પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહી ગયું હતું. કોલેજવાળાએ ફોર્મ ભરવાની ના કહી. પરંતુ પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તે જ દિવસે કોલેજમાંથી ફોર્મ ભરવા બાબતે સામેથી ફોન આવ્યો અને કામ નિર્વિઘ્ને પૂર્ણ થયું. પૂ. બાપાના આશીર્વાદથી તેમની મોટી બહેનના લગ્ન થઈ ગયા.
શ્રી ધીરૂભાઈ ડી. પરમાર; જલગાંવ (મહારાષ્ટ્ર)થી લખે છે: એક વખત ટ્રેનની મુસાફરી દરમ્યાન તેમને ઘૂંટણમાં અસહ્ય દુ:ખાવો ઉપડતા પગનું હલનચલન અશક્ય બની ગયું હતું. સજ્જન પ્રવાસીની મદદથી તેઓ જલગાંવ આવ્યા. જ્યાં સ્પેસ્યાલિસ્ટ ડૉક્ટરોની એક્સ-રે, ફીઝીયોથેરાપીસ્ટ, માઈક્રો સર્જરી વિગેરે સારવારથી પણ કશો જ ફેર ન પડ્યો. બીજા ડૉક્ટરેને બતાવતા હીપ બોલ ડેમેજ હોવાનું નિદાન થતા ઓપરેશનની સલાહ મળી. છેવટે, પૂ. બાપા ઉપર શ્રદ્ધા રાખી, પરચાની ટેક લઈ નાસિક હોસ્પિટલમાં દાખલ થયા. પૂ. બાપાની કૃપાથી તેમનું ઓપરેશન વ્યવસ્થિત પાર પડ્યું. હવે તો ચાલી શકે છે.
શ્રી રમેશચંદ્ર એમ. પ્રજાપતિ; ભરૂચથી લખે છે: નોકરી દરમ્યાન કંપનીમાં મુશ્કેલી ઊભી થાય તેવું કાર્ય તેમની ભૂલને કારણ થયું હતું. આ બાબતે ઉપરી અધિકારી તરફથી ઠપકો ન મળે તેમજ નોકરી સલામત રહે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની દયાથી ઉપરી અધિકારીએ તેમની વધુ પૂછપરછ ન કરી અને નોકરી પણ સલામત રહી.
શ્રી શાંતિલાલ સી. ભાટીઆ; મોડાસા (જિ. સાબરકાંઠા)થી લખે છે: તેમના બોરમાં મોટર ફસાઈ ગઈ હતી. ઘરે લગ્ન પ્રસંગ નજીકમાં હતો. ચોકમાં પાઈપ બહાર પડ્યા હતા. મોટર બહાર કાઢવાના પ્રયત્નો નિષ્ફળ જતા હતા. છેવટે, તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો. ને તુરત જ કોઈપણ મુશ્કેલી વિના મોટર સરળતાથી બહાર નીકળી ગઈ. આ ઉપરાંત, પૂ. બાપાની દયાથી તેમની આંખનું મોતીયાનું ઓપરેશન સારી રીતે પાર પડ્યું. તેમના ભત્રીજાના સગપણમાં વિલંબ થતો હતો. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી તેના લગ્ન થઈ ગયા.
શ્રીમતિ નયનાબેન કે પ્રજાપતિ; અટગામ (જિ. વલસાડ)થી લખે છે: તેમના દીકરાને મણકાની ગાદી ખસી ગઈ હતી. તેનું ઓપરેશન સફળ થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેમના દીકરાનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું. પૂ. બાપાએ તેમની દરેક મુશ્કેલી દૂર કરી છે.
શ્રી વિમળાબેન બી. રાણા; પીપળાતા (જિ. ખેડા)થી લખે છે: તેમના મકાનની મરામત માટે તેમણે સરકાર પાસે લોનની અપિલ કરી હતી. આ લોન મંજુર થઈ જાય અને મરામત કામ પણ પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો માન્યો. હતો. પૂ. બાપાની મહેરથી લોન પાસ થઈ ગઈ અને સમારકામ પણ નિર્વિઘ્ને પુરૂં થઈ ગયું. તેમના પડોશીની પેટની પીડા પણ પૂ. બાપાએ દૂર કરી, બીજું, તેમના સ્નેહી શ્રી સુધાબેન રાણાએ પોતાની દીકરી ચિ. દર્શિતા બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવે તે માટે પરચો માન્યો હતો. પૂ.બાપાએ તેઓની પણ ઈચ્છા પૂર્ણ કરી.
શ્રી નવનીતલાલ એસ. ભટ્ટ; સુવા (જિ. ભરૂચ)થી લખે છે: એક અકસ્માતમાં તેમના પુત્રને આંખ, હાથ અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેના સીટી સ્કેન રીપોર્ટ બાદ મોટું ઓપરેશન કરાવવાનું નક્કી થયું. આવા સમયે તેમણે પૂ. બાપાને આર્તહ્રદયે પ્રાર્થ્યા અને પુત્રનું ઓપરેશન સફળ થાય તે માટે પરચો માન્યો... ખરેખર, પૂ. બાપા વ્હારે આવ્યા. તેમના પુત્રનું 7 કલાક ચાલેલું 65 ટાંકા સાથેનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું, હવે તેમનો પુત્ર સંપૂર્ણ સ્વસ્થતા સાથે હરતો-ફરતો થઈ ગયો.
શ્રી દેવચંદભાઈ જે. ટંડેલ; કોલક (જિ. વલસાડ)થી લખે છે: તેઓ શીપીંગ કંપનીમાં નોકરી કરે છે. અમુક કારણસર કંપની તરફથી ડેકમાં કામ કરનાર દરેક મેમ્બરને શીપમાંથી ઉતારવામાં આવ્યા હતા. સંજોગાવશાત તેમનો રીલીવર આવ્યો ન હોવાથી બીજા પોર્ટમાં ઉતારવાનું જણાવેલું. આવા સંજોગોમાં તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને તેમનો રીલીવર ન આવે તેમજ કોન્ટ્રાકટ પૂરો થાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થયો અને ઘણો જ ફાયદો પણ થયો.
શ્રીમતિ ઈન્દિરાબેન કે. જાની; ગોધરા (જિ. પંચમહાલ)થી લખે છે: પૂ. બાપાએ તેમના જીવનમાં અનેક પરચા પૂર્યા છે. પૂ. બાપાના આશીર્વાદથી તેમનો પૌત્ર ધો. 10માં સારા માર્કસ મેળવી પાસ થયો અને તેને સુરેન્દ્રનગર ડીપ્લોમાં ઈલે. એન્જિનીયરીંગમાં એડમીશન પણ મળી ગયું. તેમનો દોહિત્ર પણ ધો. 12 સાયન્સમાં ઉત્તીર્ણ થઈ નાગપુરમાં ઈલે. એન્જિનીયરીંગમાં પ્રવેશપાત્ર બન્યો. તેને વધુ અભ્યાસ અર્થે બેંક લોન પણ મળી ગઈ. તેમના પગની પીડા તેમજ બીજી મુશ્કેલીઓ પણ પૂ. બાપાની કૃપાથી દુર થઈ.
શ્રીમતિ ઉષાબેન એ. કામદાર; સુરેન્દ્રનગરથી લખે છે: તેમની નવ વર્ષની પૌત્રીનો ડાબો પગ નબળો હોવાથી ચાલવામાં તકલીફ પડતી હતી. કસરત, રીપોર્ટ વિગેરે બાદ પગનું માઈનોર ઓપરેશન કરાવવાની તબીબી સલાહ મળી. જેનો ખર્ચ ત્રીસ હજાર થાય તેમ હતો. ઓપરેશનની વાત સાંભળી સૌ ચિંતિત હતા. તેને ફક્ત દવાથી જ સારું થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. બાદમાં અમદાવાદના મોટા ડૉક્ટરે ઓપરેશનની જરૂર ન હોવાનું અને દોડવાની કસરત કરાવવાનું જણાવ્યું. તેથી સલાહ મુજબ કસરત કરવાથી તેમની પૌત્રીને પગમાં ઘણું જ સારું થઈ ગયું.
શ્રીમતિ કાંતાબેન પાનસુરીયા; રાજકોટથી લખે છે: તેમની દીકરીને પ્રેગનન્સી દરમ્યાન બાળક ઊંધું હોવાથી ડૉક્ટરે સીઝેયરીનની શક્યતા દર્શાવી હતી. તેને નોર્મલ ડીલેવરી થાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થના અને પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપા થકી તેમની દીકરીને નોર્મલ ડીલેવરી થઈ, માતા-પુત્રી બંનેની તબિયત પણ સારી છે.
શ્રી રાજુભાઈ દાવડા; જામખંભાલીયા (જિ. જામનગર)થી લખે છે: 'જલારામ જ્યોત'માં પ્રસિદ્ધ થતા પૂ. બાપાના પરચા વાંચી તેમની શ્રદ્ધા વધુ દ્રઢ બની. એક વખત તેમનો નાનો દીકરો શાળામાં રબર ગળી ગયો. અનેક પ્રયત્નો કરવા છતાં તે નીકળ્યું નહિ. છેવટે, તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને રબર વિના તકલીફે નીકળી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમના પુત્રને તકલીફ વિના રબર નીકળી ગયું.
શ્રી એમ. વી. ભૂપતાણી; ઉના (જિ. જૂનાગઢ)થી લખે છે: તેમના ઘરમાંથી સાયકલની ચોરી થયેલી. ઘણું શોધવા છતાં ન મળી, અંતે, તેમણે પૂ. બાપાનું સ્મરણ કર્યું અને સાયકલ મળી જાય તે માટે પરચો માન્યો... ને તુરત જ બીજા દિવસે તેમની સાયકલ મળી ગઈ. તેમના માતૃશ્રીનો છાતીનો દુ:ખાવો પણ પૂ. બાપાએ મટાડ્યો.
શ્રી દિપ્તીબેન કે. વડેરા; પ્રેમપરા (જિ. અમરેલી)થી લખે છે: તેમના પતિને વર્ષોથી મગજની તકલીફ છે. અનેક ડોક્ટરોની સારવાર લેવા છતાં કોઈ જ ફેર પડતો ન હતો. છેવટે, મુંબઈ જવાની સલાહ મળતા તેમની ચિંતા ખુબ જ વધી ગઈ. આવા સમયે તેમણે પૂ. બાપાને યાદ કર્યા અને મુંબઈ હોસ્પિટલના રીપોર્ટ નોર્મલ આવે તે માટે પરચો માન્યો. પૂ. બાપાની અમી કૃપાથી તેમના પતિના રીપોર્ટ ધાર્યા પ્રમાણે સારા આવ્યા. હવે તેઓને સારું રહે છે.
શ્રી વિષ્ણુભાઈ એન. પટેલ; આણંદથી લખે છે: તેઓ તેમનાં પત્ની સાથે અમેરીકાથી ઈન્ડિયા આવવાના હતા. પરંતુ બંનેની તબિયત નરમગરમ રહેતી હતી. આથી સુખરૂપ ઈન્ડિયા આવી જવાય તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેઓ બંને અમેરીકાથી નીકળી, લંડન તેમના સગાં-વ્હાલાંને મળીને ઈન્ડિયા સુખરૂપ આવી ગયા. વધુમાં, તેમની દીકરી લંડનથી અને પુત્રવધૂ અમેરીકાથી તેની નાની બેબી સાથે અહીં આવનાર હતા. પરંતુ તેઓને સાથે એક જ ફલાઈટમાં બુકીંગ મળતું ન હતું. પૂ. બાપાને પ્રાર્થના કરવાથી આ કાર્ય પણ સફળ થયું.
શ્રીમતિ દેવીબેન એસ. આહિર; ઉધના (જિ. સુરત)થી લખે છે: તેમના પતિને એકાએક કેન્સરની બીમારીનું નિદાન થતા સૌ પરિવારજનો ચિંતાતુર થઈ ગયા. આવા સંકટ સમયે એક માત્ર પૂ.બાપાનો આશરો હતો. પતિની બીમારી ઓપરેશન વિના દૂર થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. તેમના પતિને ઓપરેશન વિના સારું થઈ ગયું. બીજું, તેમના સ્નેહી શ્રી રમાબેન આહિરનો પુત્ર છેલ્લા ત્રણ વર્ષથી યુ.એસ.એ.માં અભ્યાસ કરતો હોય તેના સગપણ બાબતે પૂ. બાપાને પ્રાર્થના કરતા ટુંક સમયમાં જ આ કાર્ય પાર પડ્યું.
શ્રી કાંતિભાઈ એસ. પટેલ; અમદાવાદથી લખે છે: તેમના ભાણાને તેના પિતા લઈ ગયા પણ તેને ત્યાં ફાવતું ન હોવાથી તે ફરી તેમના ઘરે પરત આવી જાય તે માટે તેમણે પૂ. બાપાનો પરચો માન્યો. પૂ.બાપાએ તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. આ ઉપરાંત, પૂ. બાપાની કૃપા થકી તેમની ભાણીની સગાઈ વ્હેલી તકે થઈ ગઈ, તેમની દીકરીની માનસિક બીમારી પણ દૂર થઈ. બીજું, તેમના સ્નેહી શ્રી જયોત્સનાબેન પટેલની દીકરીની સગાઈ પૂ. બાપાના આશીર્વાદથી સારી જગ્યાએ થઈ.
શ્રી ચેતનાબેન શાહ; ઘાટકોપર (મુંબઈ)થી લખે છે: પૂ.બાપા પરની અતૂટ શ્રદ્ધા થકી તેમના દરેક કાર્યો - ઈચ્છાઓ પૂર્ણ થયા છે. પૂ. બાપાની કૃપાથી તેમના પતિને સારી નોકરી મળી, તેમના ભાઈનું ગુમ થયેલું પર્સ પણ તુરત જ મળી આવ્યું. તેમની વીરપુર યાત્રા પણ નિર્વિઘ્ને પૂર્ણ થઈ. વધુમાં તેમના મામા મામીએ ભાઈને તેમજ જમાઈને સારી નોકરી મળે તેમજ દોહિત્ર એસ.એસ.સી.માં પાસ થઈ જાય તે માટે પૂ. બાપાને કરેલી પ્રાર્થના ફળી.
શ્રી સુરેશભાઈ એ. શાહ; પોરબંદરથી લખે છે: તેમના માતૃશ્રીને એપેન્ડીક્ષ પેટમાં ફાટી ગયું હોય તાત્કાલિક ઓપરેશન કરાવવાનું હતું. વળી, તેઓને શ્વાસ અને બી.પી.ની તકલીફ હોવાથી ઓપરેશન જોખમી હતું. આવા સમયે તેમણે પૂ. બાપાનું શરણું લીધું અને માતૃશ્રીનું ઓપરેશન સફળ થાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી તેમના માતૃશ્રીનું ઓપરેશન સફળ થયું અને હવે તેઓનું સ્વાસ્થ્ય પણ ઘણું જ સારું રહે છે.
શ્રીમતિ મંજુલાબેન ખબરીયા; બોરીવલી (મુંબઈ)થી લખે છે: પૂ. બાપા ઉપરની અતૂટ શ્રદ્ધા થકી અશક્ય કાર્યો પણ શક્ય બન્યા છે. પૂ. બાપાની કૃપા થકી તેમની મોટી દીકરીના મુંબઈના ફ્લેટનો યોગ્ય ઉકેલ આવી ગયો અને સારી કિંમતે વેચાઈ ગયો, તેની પૂનામાં બંગલો લેવાની તેમજ નાની દીકરીની મુંબઈમાં ફ્લેટ લેવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ, તેમના દીકરાની કાર લોન મંજૂર થઈ ગઈ, તેમની નાની દીકરીના સસરાને હાર્ટએટેક આવ્યો હતો, તેઓને પણ સારું થઈ જતા સુખરૂપ મુંબઈ આવી ગયા. તેમના દીકરાને ફૂડ પોઈઝન થયું હતું. પૂ. બાપાની દયાથી તેને પણ સારું થઈ ગયું. તેમનો દોહિત્ર પરીક્ષામાં પાસ થયો.
શ્રી દિલિપસિંહ એ. પરમાર; વેંકટરાવપેટ (આંધ્રપ્રદેશ)થી લખે છે: તેમનાં પત્નીની શારીરિક તકલીફ મટાડવા ઓપરેશન જ એ એક માત્ર ઈલાજ હોય તેવું અનેક ડૉક્ટરોનું કહેવું હતું. છેવટે, તેઓ પૂ. બાપાને પ્રાર્થના કરી દવાખાને ગયા અને રીપોર્ટ નોર્મલ આવે તેમજ સાધારણ દવાથી તેને સારું થઈ જાય તે માટે પરચો માન્યો... ને જાણે ચમત્કાર થયો. છેલ્લો રીપોર્ટ નોર્મલ આવ્યો તેમજ ઓપરેશનની જરૂર ન હોવાનું ડૉક્ટરે જણાવ્યું. તેમના પરપુત્રની બીમારી પણ પૂ. બાપાએ દૂર કરી. એક વખત તેઓ ખોટી રીતે કેસમાં ફસાઈ ગયા હતા. પણ પૂ. બાપાએ તેમને બચાવી લીધા. આ ઉપરાંત, જલારામ જયંતિની ઉજવણી અગાઉ આવેલ વિઘ્ન પણ દૂર થયું અને ઉત્સવ ધામધૂમથી ઉજવાયો.
શ્રીમતિ જશુબેન એસ. પટેલ; સિણધઈ (જિ. નવસારી)થી લખે છે: તેમના દીકરી - જમાઈની બદલી માટે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચો માનતા જીલ્લા રજીસ્ટ્રારમાં તેઓને મનગમતી શાળા મળી ગઈ અને નવા સ્થળે હાજર પણ થઈ ગયા. પૂ. બાપાની દયાથી તેમની દીકરીને નોર્મલ ડીલેવરી થઈ. સોરઠની ધરતીના સંતશ્રી પૂ. બાપાને શત્ કોટિ પ્રણામ.
શ્રી ચંપકલાલ એસ. ઠક્કર; ઝાબકિયા (જિ. બનાસકાંઠા)થી લખે છે: તેઓ ધંધાર્થે ઈલેક્ટ્રીક ચક્કી ચાલુ કરવા ઈચ્છતા હતા. પણ જરૂરી નાણાંના અભાવે કાર્ય અટકતું હતું. આ બાબતે પૂ. બાપાને અંત:કરણપૂર્વક પ્રાર્થના કરી પરચો છપાવવાની ટેક રાખતા નાણાંની સગવડ થઈ ગઈ અને ખૂબ જ ઓછા સમયમાં લાઈટનું કનેકશન મળી જતા ચક્કી ચાલુ પણ થઈ ગઈ.
શ્રી ઈન્દુબેન આર. ભાવસાર; ગોરેગામ (મુંબઈ)થી લખે છે: તેમની દીકરીએ મોન્ટેસરી પાસ કર્યા બાદ પણ જલ્દીથી નોકરી મળતી ન હતી. પૂ. બાપાને શ્રદ્ધાપૂર્વક અરજ કરી પરચો છપાવવાની ટેક રાખતા તેને ટૂંક સમયમાં જ ખૂબ જ સારી નોકરી મળી ગઈ. બીજું, તેમના પતિ અને દીકરા વચ્ચે અણબનાવ હતો. પૂ. બાપાની કૃપાથી બંને વચ્ચે મનમેળ થઈ ગયો.
શ્રીમતિ શારદાબેન પટેલ; ગોરગામ (મુંબઈ)થી લખે છે: તેમની દીકરીએ ફ્લેટમાં ઓફિસ બનાવી હતી. તેથી સોસાયટીવાળા વાંધો ઉઠાવતા હતા. આ બાબતે યોગ્ય ઉકેલ આવે તે માટે તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા... ને ખરેખર, પૂ. બાપા વ્હારે આવ્યા. સોસાયટીની પ્રથમ મીટીંગમાં જ ઓફિસ બાબતે ઉકેલ આવી ગયો. ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમની પુત્રવધૂને બેન્કમાં સારી નોકરી મળી ગઈ, તેમનો પુત્રી-પુત્રવધૂ સાથેનો પ્રવાસ પણ આનંદદાયક રહ્યો. તેમના વિસ્તારનું પાણીનું સંકટ પણ પૂ.બાપાએ દૂર કર્યું.
શ્રી ઉર્મિલાબેન જે. કાનાબાર; બોકારો થર્મલ (ઝારખંડ)થી લખે છે: તેમના ભાણેજવરને માઈનોર એટેક આવ્યા બાદ તબિયત ખૂબ જ બગડી જતા કલકત્તા એપોલો હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ કર્યા હતા. તેમને આ વાતની જાણ થતા તુરત જ પૂ.બાપાનું સ્મરણ કર્યું અને ભાણેજવરના સ્વાસ્થ્યની રક્ષા કાજે પરચો માન્યો. પૂ.બાપાની અમીમય નજરથી તેમના ભાણેજવરની તબિયત સુધારા પર આવી ગઈ.
શ્રી મીનાબેન ગજ્જર; રાજકોટથી લખે છે: તેમના જેઠનો દીકરો નડિયાદ અભ્યાસ માટે ગયો હતો. ત્યાં તેને ન ફાવતા કોલેજ છોડવી હતી. પણ વર્ષની ફી ભર્યા બાદ જ સર્ટીફિકેટ મળી શકે તેવું કોલેજના સ્ટાફે જણાવેલ. બે વખત નડિયાદ જઈ આવ્યા પણ કામ સફળ ન થયું. ત્રીજી વખત તે નડિયાદ ગયો ત્યારે તેમણે તેની કાર્ય સફળતા માટે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ. બાપાની કૃપા થકી તેનું કામ સફળતાપૂર્વક પાર પડી ગયું. એક રાત્રે તેમના માતૃશ્રીને પેટમાં દુ:ખાવો ઉપડ્યો. આ સમયે પણ પૂ. બાપાની કૃપાથી દવાની સગવડ થઈ ગઈ અને તેઓને રાહત થઈ ગઈ.
શ્રી ઈશ્વરભાઈ ઝાલેરા; મોરબી (જિ. રાજકોટ)થી લખે છે: તેમણે તેમની ગાડી વેચી હતી. તેનું એન.ઓ.સી. તથા આર.સી. સુધી તેને ન મળતા તેમણે પૂ. બાપાને યાદ કર્યા. ચાર દિવસ સુધી તેને ન મળતા તેમણે પૂ.બાપાને યાદ કર્યા અને સામી પાર્ટીને ડોક્યુમેન્ટસ મળી જાય તે માટે પરચો માન્યો. પૂ. બાપાની કૃપાથી બે દિવસમાં જ ડૉક્યુમેન્ટસ મળી ગયાનો પાર્ટીનો ફોન આવ્યો.
શ્રી નીરૂબેન ગાંધી; વડોદરાથી લખે છે: તેમણે પ્રવાસમાં જવા માટે ટીકીટ બુક કરાવી હતી. પરંતુ તેના થોડા દિવસો અગાઉ તેમની તબિયત ખુબ જ બગડી ગઈ. જેથી પ્રવાસે જવાનો વિચાર પડતો મુક્યો. સાથોસાથ પૂ.બાપા ઉપર શ્રદ્ધા રાખી તબિયત સારી થઈ જાય અને પ્રવાસે જઈ શકાય તે માટે પરચો પણ માન્યો. ત્યાર બાદ તેમની તબિયત સારી થઈ ગઈ અને પૂ. બાપાના આશીર્વાદથી પ્રવાસ સુખરૂપ પૂર્ણ થયો.
શ્રીમતિ કાંતાબેન ડી. સોલંકી; રાજપીપળા (જિ. ભરૂચ)થી લખે છે: તેમના પતિને મગજમાં પાણી ભરાઈ ગયું હોવાથી તેઓ ચાલી શકતા ન હતા. જે વ્યક્તિ સ્હેજ પણ આળસ વિના પોતાના કાર્યમાં સતત વ્યસ્ત રહેતી હોય તેને આવું થતા ખૂબ જ ચિંતા થતી. ડૉક્ટરે ઓપરેશન જોખમી જણાવેલ. પરંતુ પૂ. બાપાને આર્તહ્રદયે પ્રાર્થી પરચો માનતા ઓપરેશન સફળ થયું અને તેમના પતિ તદ્દન સ્વસ્થતાથી ચાલતા થઈ ગયા. વધુમાં, તેમના દીકરા-દીકરી વચ્ચે અણબનાવ સજાર્તા દીકરી ઘરે આવતી બંધ થઈ ગઈ હતી. પૂ. બાપાને અરજ કરતા આ બાબતે પણ સમાધાન થઈ ગયું.
શ્રીમતિ રેણુબેન પી. ભાટે; અથની (જિ. બેલગાંવ)થી લખે છે: તેમના નણંદ એક કોલેજમાં 17 વર્ષથી વગર પગારે નોકરી કરતા હતા. પૂ. બાપાને અરજ કરી પરચો છપાવવાની ટેક રાખતા તેઓનો પગાર ચાલુ થઈ ગયો. પૂ. બાપાના પરચાના પ્રતાપે તેમના ભત્રીજાને મુંબઈ એન્જી. કોલેજમાં એડમીશન મેળવવામાં પડતી મુશ્કેલી દૂર થઈ ગઈ.
શ્રી દિનેશભાઈ પાઠક; અમદાવાદથી લખે છે: તેઓ તેમના સબંધીને અરોડ્રામ મૂકવા ગયા ત્યારે ખીસ્સામાં મૂકેલ મોબાઈલ ગુમ થયેલો જણાયો. તે સમયે પૂ. બાપાને યાદ કર્યા અને મોબાઈલ મળી જાય તે પરચો છપાવવાનું નક્કી કરી ઘરે ફોન કર્યો. વળતો જવાબ આવ્યો કે તેઓ મોબાઈલ ઘરે મૂકીને ગયા હતા. આમ, જ્યારે પૂ. બાપાને યાદ કરીએ છીએ ત્યારે હાજર થઈ જાય છે.
શ્રીમતિ રંજનબેન પી. ભાનુશાળી; કાંદિવલી (મુંબઈ)થી લખે છે: પૂ. બાપાની કૃપાથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ છે. પૂ. બાપાની દયા દ્રષ્ટિથી તેમની તેમજ તેમના પતિની તબિયત સારી થઈ ગઈ, તેમના દીકરી - દીકરીને ઘરે પારણું બંધાયું. પૂ. બાપાના આશીર્વાદથી તેમના હર્યાભર્યા પરિવારમાં સુખ - શાંતિ છે.